ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટ બદલાયા બાદ ત્યાં રહેતી સાધ્વી બહેનોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની સુરક્ષા અંગે સાધ્વી બહેનોએ ચિંતા વ્યક્ત કરી હતી. સર્વનમન વિદ્યામંદિરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે મેનેજમેન્ટના વિવાદ બાદ અહી વર્ષોથી રહેતી સાધ્વી બહેનોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. 20 કરતા વધુ વર્ષોથી અહી રહેતી સાધ્વી બહેનોની 1 એપ્રિલથી સતત કોઈને કોઈ પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે સાધ્વી બહેનો અને હરીભક્તોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની આપવીતી આવેદન પત્ર પાઠવી વર્ણવી હતી. જેમાં તેઓના રૂમની વીજળી બંધ કરી દેવી, પાણી કનેક્શન કાપી નાખવા કે, એસી અને વાઇફાઈના કેબલ તોડી નાખવા સહિતની હેરાનગતિ કરી અહીથી સાધ્વીઓને કાઢી મુકવા માટેના પ્રયાસો બદલાયેલા મેનેજમેન્ટ દ્વારા કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાધ્વી બહેનો બધું ત્યાગી અહી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આદેશથી રહેવા આવી હોય, ત્યારે હવે તેઓ ક્યાં જાય, તેમ કહી તેઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સાધ્વીઓ દ્વારા સી’ ડિવિઝન પોલીસ મથકે પણ લેખિતમાં અરજી આપી રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ : સર્વનમન વિદ્યામંદિરની સાધ્વી બહેનોને મેનેજમેન્ટ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ..!
New Update