/connect-gujarat/media/post_banners/a46cb73d67badc713d30c0c7234dc173eb0a78bd0359553756237072be698411.jpg)
કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશાવર્કર બહેનોએ આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત કચેરીનો ઘેરાવો કરી વિરોધ નોધાવ્યો હતો. દોઢ વર્ષનો સમય વિતી ગયો હોવા છતા કોરોના ભથ્થું ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આશાવર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો.
કોરોનાકાળમાં આશા વર્કર બહેનોએ જીવના જોખમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને સરકાર દ્વારા કોરોના ભથ્થુ ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું જોકે દોઢ વર્ષના વ્હાણા વિતી ગયા હોવા છતા કોરોના વોરિયર્સ એવા આશા વર્કર બહેનોને કોરોના ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આજરોજ ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત કચેરીનો ઘેરાવો કર્યો હતો અને વિરોધ નોધાવ્યો હતો. આશા વર્કર અને ફેસિલિટર બહેનોના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં જીવના જોખમે કામગીરી કરવા છતા પણ તેઓને તેમના હકના નાંણા આપવામાં આવતા નથી. સામી દિવાળીએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. અધિકારીઓને બોનસ આપવામાં આવે છે ત્યારે કોરોના વોરિયર્સ બહેનોને મેહનતાણુ પણ ચુક્વવામાં આવતું નથી. તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો માંગ સ્વીકારવામાં ન આવશે તો દિવાળીનાં દિવસે જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને તહેવારની ઉજવણી કરવા સૌ આશા વર્કર બહેનો એકઠી થશે.