Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નવરાત્રીની સિઝનમાં મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ વધ્યો, ગરબા ક્લાસીસમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ પણ તૈયાર...

માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી મહોત્સવ. ગણતરીના દિવસો બાદ નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.

X

આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં માઁ આદ્યશક્તિની આરાધના કરવા માઈભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ચણિયા ચોળીની અનેક વેરાયટીઓની માંગમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગરબા ક્લાસીસમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ પણ તૈયારી કરી રહ્યા છે.

માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે શારદીય નવરાત્રી મહોત્સવ. ગણતરીના દિવસો બાદ નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભરૂચમાં ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર પણ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. આ વર્ષે નવરાત્રીની સિઝનમાં મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. અલગ અલગ કલર્સના પ્લેઇન ચણિયામાં હેવી બોર્ડર, પ્રિન્ટેડ ગામઠી સ્ટાઇલના બ્લાઉઝ અને એકદમ સ્ટાઇલિશ લૂક આપતા દુપટ્ટાઓ આ વખતે સૌથી વધુ ડિમાન્ડમાં છે, ત્યારે ભરૂચ શહેરમાં વર્ષોથી ટ્રેડિશનલ ડ્રેસના વેપાર સાથે સંકળાયેલા મયુરી શાહે જણાવ્યુ હતું કે, આ વર્ષે લોકોએ ભાડેથી ચણિયા ચોળી લેવાનો વધુ આગ્રહ રાખ્યો છે. કારણ કે, ખરીદેલો ટ્રેડિશનલ ડ્રેસ આખું વર્ષ વપરાશ વગર પડી રહેતો છે. જે ફક્ત કોઈ સારા પ્રસંગે જ કામે આવતો હોય છે. તેથી ઓર્ડર મુજબ બનતા ટ્રેડિશનલ ડ્રેસની માંગ પણ ખૂબ વધી હોવાનું મયુરી શાહે જણાવ્યુ હતું.

ગુજરાતીઓના કોઈપણ પ્રસંગ કે, તહેવારો હોય તો ગરબા તો સૌથી પહેલા હોય જ. જોકે, હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે, ત્યારે તમામ ગુજરાતીઓ ગરબે ઘુમવા માટે છેલ્લા ઘણા દિવસોથી ગરબા ક્લાસીસમાં ગરબા રમતા જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ટ્રેડિશનલની સાથે ગરબાના અવનવા સ્ટેપ પણ એટલાં જ જરૂરી હોય છે, ત્યારે ભરૂચમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ તૈયાર થઈ રહ્યા છે. આ વર્ષે ખેલૈયાઓમાં ઘરબે ઘુમવા માટે એક અલગ જ થનગાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, ગરબા ક્લાસીસ ચલાવતા સંચાલક આકાશ ભાવસારે ખેલૈયાઓને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી નવયુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધ્યું છે, ત્યારે ગરબા દરમ્યાન બ્રેક પડે તે સમયે ખેલૈયાઓએ બહાર મળતા ઠંડા પીણાં કે, જંક ફૂડ આરોગવો જોઈએ નહીં. ખેલૈયાઓએ ફક્ત લીંબુ પાણી કે, પછી પાણી જ પીવાનો આગ્રહ રાખી થોડી મિનિટ સુધી બેસીને આરામ કરવો જોઈએ. જેથી કરી નવયુવાઓમાં આવતા હાર્ટ એટેકના કેસમાં ઘટાડો થઈ શકે છે.

Next Story