ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી જ ભરૂચ શહેરમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.
જીવના શિવ સાથે મિલન કરાવતું પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ. દેવોના દેવ મહાદેવની આજરોજ મહાશિવરાત્રીના દિવસે ભક્તો દ્વારા વિશેષ પુજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં શિવરાત્રીના મહાપર્વની ઉજવણી નિમિત્તે વિવિધ દેવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરુદ્ર યજ્ઞ, મહાઆરતી, ભજન-સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિરે આવતા શ્રધ્ધાળુંઓને ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવનાર છે.
ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયત નજીક આવેલ રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રામેશ્વર મહાદેવ મંદિરે દિવસભર સ્થાનિક યુવક મંડળ દ્વારા હજારો લિટર ભાંગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ડાયરો, મહાઆરતી, ભજન-સત્સંગ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, ત્યારે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા તેમજ વિનામૂલ્યે ભાંગની પ્રસાદીનો લાભ લેવા રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ભરૂચ શહેરની જનતાને આમંત્રણ પાઠવાયું છે.