Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના નોંધાણા ગામે ખેતરોમાં ફરી વળ્યું VECL કંપનીનું પ્રદુષિત પાણી, ગ્રામજનોમાં આક્રોશ…

X

જંબુસરના નોંધાણા ગામે ખેતરોમાં ફર્યું કેમિકલયુક્ત પાણી

VECL કંપનીનું પાણી હોવાનો ગ્રામજનોએ લગાવ્યો આરોપ

દુષિત પાણીથી ખેતીમાં નુકશાનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધાણા ગામના સીમાડા નજીક VECL કંપની દ્વારા પ્રદુષિત પાણીને ખેતરોમાં મુક્ત કરાતું હોવાનો ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. 300 એકર જમીનમાં દુષિત પાણી ફરી વળતાં સ્થાનિક ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. નોંધાણા ગામે દૂષિત પાણી ખેતરોમાં ભરાતા પાકને નુકશાન જવાની ભીતિ સાથે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા વારંવાર મુક્ત કરવામાં આવતું દૂષિત પાણી ખેતરોમાં ભરાઈ જવાના પ્રશ્નથી જંબુસર તાલુકાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે.

તો બીજી તરફ, વડોદરાથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ નોંધણા ગામે તપાસ અર્થે આવી પહોચ્યા હતા, જ્યાં પાણીના સેમ્પલ મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, કેમિકલ માફિયા જેવા તત્વો સામે GPCB દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવાતો હોવાની પણ રાવ ઉઠવા પામી છે. આ દરમ્યાન VECL કંપનીના અધિકારીઓ પણ નોંધણા ગામે દોડી આવ્યા હતા, જ્યાં ખેડૂતોએ પોતાના પાકમાં થયેલ નુકશાની અંગે સહાય વળતરની માંગ સાથે કંપની અધિકારીઓનો ઉધડો લીધો હતો.

Next Story