ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ મુખ્ય સંચાલન કેન્દ્ર દ્વારા તમામ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે નશામુક્ત ભારત અને જલજન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ નશામુક્ત ભારત અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશની યુવા પેઢીને બચાવવા યુવાનોને વ્યસનથી દૂર રાખવા એક અનોખી પહેલ વ્યસન મુક્ત અભિયાનને લઈને બ્રહ્માકુમારીની બહેનોને કળશ અને ધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા. એક તરફ, વર્તમાન સમયમાં યુવાધન વ્યસન તરફ વળી રહ્યું છે, ત્યારે ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાના 17 સેવા કેન્દ્ર દ્વારા જિલ્લાભરમાં શાળા-કોલેજો, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં ફરી લોકોને વ્યસનથી દૂર કેવી રીતે રહેવું, વ્યસન કરવાથી શું નુકશાન થાય છે, જેવી માહિતી આપી લોકોને વ્યસનમુક્ત રહેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ, જલજન અભિયાન અંતર્ગત “જળ છે તો જીવન છે”ના સૂત્રને સાર્થક કરવા દરેક વ્યક્તિએ પાણીનો બચાવ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી સહિત ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને હાંસોટ બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.