Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજસ્થાન કોંગ્રેસના મંત્રી અને ભરૂચના ઓબ્ઝર્વર ગોવિંદ મેઘવાલની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક મળી

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસની બેઠક રાજસ્થાન કોંગ્રેસના મંત્રી ગોવિંદ મેઘવાલની ઉપસ્થિતિ

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટી ચૂંટણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં 20 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસની સ્થિતિ એક સાંધો, ત્યાં તેર તૂટે જેવી છે. એક બાદ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીમાંથી છેડો ફાડી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, હજુ થોડા દિવસ આગાઉ વાગરાના કોંગ્રેસ કિશાન મોરચાના યાકુબ ગુરુજીએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનું દામન પકડ્યું છે, ત્યારે શહેરમાંથી પણ કોંગ્રેસના શહેર પ્રમુખ વિકી શોકી, રાધે પટેલ, નિકુલ મિસ્ત્રી સહિતના કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ સ્થિતિ વચ્ચે પણ ચૂંટણીમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા અને મંથન કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજસ્થાન સરકારના મંત્રી અને લોકસભાના ગોવિંદરામ મેઘવાલની ઉપસ્થિતિમાં રાજપૂત છાત્રાલય ખાતે અગત્યની બેઠક મળી હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને બહુમતીથી જીતાડવા માટે આવાહન કરવામાં આવ્યું હતું. મંત્રી ગોવિંદરામ મેઘવાલે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

જીએસટીના કારણે પણ મોંઘવારીનો માર પ્રજાને ઉઠાવવો પડે છે. રોજગારીની વાત કરનાર સરકાર લોકોને રોજગારી આપવામાં પણ નિષ્ફળ નિવડી છે, જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો જન જન સુધી પહોંચી મતદારોને રીઝવવામાં સફળ થશે, અને ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ખાસ મહત્વ આપવું જોઈએ નહીં. કારણ કે, ગુજરાતમાં માત્ર 2 જ પાર્ટી વચ્ચે ખરા-ખરીનો જંગ હોય છે. જેમાં આમ આદમી પાર્ટીનું કોઈપણ જગ્યાએ સ્થાન નથી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, શેરખાન પઠાણ, હરેશ પરમાર, વાગરા મત વિસ્તારના અગ્રણી સુલેમાન પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story