Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના સર્જનમાં બન્યા વ્યસ્ત...

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે ધામાં નાખ્યા છે.

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં શ્રીજી ઉત્સવની ઉજવણીનો થનગનાટ અત્યારથી જ વર્તાવા લાગ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના સર્જનમાં વ્યસ્ત બન્યા છે.

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે ધામાં નાખ્યા છે. તેઓ પાવન સલીલા માઁ નર્મદા નદીની માટીમાંથી ઈકો ફ્રેન્ડલી નયનરમ્ય પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. જેની શ્રીજી મહોત્સવ આયોજકોમાં ભારે માંગ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા એકાદ મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક નર્મદા નદીની માટીમાંથી સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. આ શ્રીજી પ્રતિમાઓને રંગ-રોગાન સાથે શણગાર કરી આયોજકોની માંગ મુજબ તૈયાર કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવતી ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન દરમ્યાન નર્મદા નદીમાં આસાનીથી ઓગળી જતી હોવાથી જળચર જીવોને પણ નુકસાન થતું નથી, તેમજ જળ પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. તેથી હવે શ્રીજી આયોજકો પણ નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે, પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજી ઉત્સવ ઉપરાંત બંગાળી સમાજના દુર્ગા મહોત્સવમાં પણ દુર્ગા માતા સહિત વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓનું નર્મદા નદીની માટીમાંથી સર્જન કરતા હોય છે.

Next Story