“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું ભરૂચના ઉમરાજ ગામ ખાતે આગમન થતાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા “મારી માટી, મારો દેશ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આયોજિત અમૃત કળશ યાત્રાનું ભરૂચના ઉમરાજ ગામ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશની માટી, વીરોને વંદન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ થઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં પ્રત્યેક દેશવાસીઓને 2 ચપટી માટી અને 2 ચપટી ચોખાના યોગદાનનો અવસર અમૃત કળશ યાત્રા થકી મળ્યો હોવાનું ઉમરાજ ગામે કાર્યક્રમમાં ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું. અમૃત કળશ યાત્રા ઉમરાજથી નંદેલાવ, મંગલદીપ સોસાયટી અને જ્યોતિનગર થઈ રામજી મંદિર પોહચી હતી, જ્યાં ઠેર ઠેર મહાનુભવો અને સ્થાનિકો દ્વારા અમૃત કળશ યાત્રાને વંદન કરી પોતાનું યોગદાન દેશ, દેશની માટી અને શહીદો પ્રત્યે અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉમરાજના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.