ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન અને બોરભાઠા બેટ ગામના પૂર અસરગ્રસ્તોએ સરકારી સહાયમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
નર્મદા નદીમાં પૂર આવવાથી થયેલ આર્થીક નુકશાનના વળતરમાં નાણાં ન મળ્યા હોવાના અને અમુક લોકોને જ સહાય ચૂકવી ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે વીર બિરસા બ્રિગેડની આગેવાનીમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પૂરના સૌથી વધુ અસરગ્રસ્ત અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન અને બોરભાઠા બેટ ગામમાં પૂરગ્રસ્તોને સરકારી સહાય બાબતે યોજાયેલી જાહેર સભામાં આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરી સરકારી સહાય ચૂકવવામાં વહાલા દવલાનીની નીતિ રાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત કરી આ મામલે યોગ્ય તપાસ અને સર્વેની હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.