ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નર્મદા હાઇસ્કુલ-શુકલતીર્થ, સ્વામીનારાયણ ગુડવીલ સ્કુલ-ભરૂચ અને કે.જી.એમ.વિદ્યાલય-ભરૂચના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવનું "ઉડાન 2024" અને “કરિયર ગાઈડન્સ ફેર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આયોજિત 3 શાળાના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી. શેલતના નવતર અભીગમ અંતર્ગત વાર્ષિકોત્સવ “ઉડાન-2024” તથા “કરિયર ગાઈડન્સ ફેર”નો કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓની મુંજવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સીટીઓના સહયોગથી "કરિયર ગાઈડન્સ ફેર”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા કે. રાઓલ તથા અતિથી વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કરિયર ગાઇડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનીવર્સીટી જેવી કે, પી.પી.સવાણી યુનિવર્સીટી, જી.એસ.એફ.સી. યુનિવર્સીટી, કર્ણાવતી યુનિવર્સીટી, પારુલ યુનિવર્સીટી, આઈ.ટી.એમ. બરોડા યુનિવર્સીટી, વિદ્યાદીપ યુનિવર્સીટી, યુ.પી.એલ. યુનિવર્સીટી, આર.એન.જી. પટેલ-બારડોલી, રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વ્યક્તવ્ય થકી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌકોઈ પાસે કોઈપણ જાતના પક્ષપાત કે, લોભ લાલચ વિના પોતાના મતાધિકારનો સદુપયોગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.