/connect-gujarat/media/post_banners/b769bfef52fd32dce0c438247f025cd448f264bdca5e27cb0ea5491e9818a929.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામના મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી છે. ભરૂચના વાગરા તાલુકાના વેંગણી ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના ગામમાં આવેલ મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે વિરોધ નોંધાવ્યો હતો. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે, અને આ મંદિર તથા મંદિરની જમીન ટ્રસ્ટની મિલકતમાં આવેલી છે.
આ ટ્રસ્ટની મિલકતમાં વૈજનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જમીનમાં ગામના રહેવાસીએ આશરે 2 મહિનાથી સતત 5 લીમડાં, 3 આંબલી, 1 જાંબુડો, 1 સરગવો મળી કુલ 10 વૃક્ષો થડમાંથી કાંપી ગેરકાયદેસર રીતે છેદન કર્યું છે. જોકે, સતત ઘટાદાર વૃક્ષો કાંપવાનું યથાવત તેમજ અન્ય વૃક્ષો છેદનની પેરવી સામે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેઓને અટકાવવા જતાં ગામ લોકો સાથે માથાભારે ઇસમોએ ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં વૃક્ષો કાપનાર વિરુદ્ધ કોઇપણ પગલા લેવામાં આવ્યા નથી. એટલું જ નહીં, આજદિન સુધી સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવાય નથી, ત્યારે હવે આ ગુનાહિત કૃત્ય અંગે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વેંગણીના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.