ભરૂચ : સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પગલે ખેડૂતોની દયનીય હાલત, પાણીના નિકાલની ખેડૂત સમન્વય સમિતિની માંગ...

અનેક ગામો નજીક ખેતરમાં ભરાયા વરસાદી પાણી, મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ચાલતી કામગીરી બન્યું કારણ.

New Update
ભરૂચ : સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પગલે ખેડૂતોની દયનીય હાલત, પાણીના નિકાલની ખેડૂત સમન્વય સમિતિની માંગ...

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની કામગીરીના પગલે કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાય જતાં સેંકડો ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે, ત્યારે પાણીના નિકાલની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ પ્રથમ વરસાદમાં જ ખેડૂતો પાયમાલ થયા છે. વિકાસની વાત વચ્ચે ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની કામગીરી ચાલી રહી છે. આ ત્રણેય કામગીરી જિલ્લાના કેટલાક ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. 

પરંતુ ત્રણેય પ્રોજેક્ટના કારણે ખેડૂતોના ખેતરો નીચાણવાળા બનતા વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેથી ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થતાં વળતરની માંગ કરવામાં આવી છે. ભરૂચ તાલુકાની વાત કરવામાં આવે તો પરીએજ, કોઠી, મનુબર, થામ, સરનાર, વહાલું, દહેગામ, દયાદરા, આમોદ અને સમની સહિત હાંસોટ તાલુકાઓના ગામના ખેડૂતોના ખેતરોમાં પ્રથમ વરસાદમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલા મગ, મઠિયા, ચણા, તુવેર અને કપાસ સહિતના અનેક પાકો નષ્ટ થઈ ગયા છે.

જોકે, વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડૂતોના ખેતરોમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં ખેતરો જળબંબોળ બનતા વહેલી તકે પાણી નિકાલની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories