ભરૂચિઓ નવું લાવ્યા : લોકજાગૃતી અર્થે ખેલૈયાઓએ પોલીસ હેડક્વાટર ખાતે કર્યા સાઇકલ ગરબા, દીકરીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી...

માઁ અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ દ્વારા રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે,

New Update
ભરૂચિઓ નવું લાવ્યા : લોકજાગૃતી અર્થે ખેલૈયાઓએ પોલીસ હેડક્વાટર ખાતે કર્યા સાઇકલ ગરબા, દીકરીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી...

માઁ અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ દ્વારા રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છટ્ઠે નોરતે ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે નવરાત્રીનો કંઈક અલગ જ રંગ જોવા મળ્યો હતો. ભરૂચમાં ખેલૈયાઓએ સાયકલ સવારીનો સંદેશ આપતાં સાયકલ પર સવારી કરીને ગરબાના અવનવા સ્ટેપ્સ રજૂ કર્યા હતા. તો બીજી તરફ, સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં દીકરીઓ મન મૂકીને ગરબે ઘૂમી હતી.

ભરૂચમાં આ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે, ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી હતી. તેવામાં બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ભરૂચ પોલીસ દ્વારા સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં છટ્ઠે નોરતે શહેરભરમાંથી પોલીસ હેડક્વાટર ખાતે ગરબા રમવા આવેલી દીકરીઓ તેમજ પરિવારોએ રમઝટ બોલાવી હતી.

તો બીજી તરફ, ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્યોએ સાયકલ સવારીનો સંદેશ આપતાં સાયકલ પર સવારી કરી લોકો સમક્ષ ગરબાના અવનવા સ્ટેપ્સ રજૂ કર્યા હતા. સાયકલિસ્ટોએ જણાવ્યુ હતું હતું કે, ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર સાઇકલ પર સવાર થઈ ગરબા રમવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતતા કેળવાય અને લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે સાઇકલ પર સવાર થઈ ગરબા રમવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યુ હતું કે, ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે આ વર્ષે ગરબા મહોત્સવમાં વુમન એન્ડ ચાઇલ્ડ સેફ્ટી, ટ્રાફિક સેફ્ટી અને સાઇબર સેફ્ટી સહિતની અલગ અલગ થીમ આધારિત નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહી લાઈટિંગ, સિંગર, સજિંદા સાથે લોકોની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આમ સતત બીજા વર્ષે પણ માઁ આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીના ગરબા મહોત્સવની પોલીસ હેડ ક્વાટર ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના સભ્યો, પત્રકાર મિત્રો સહિત પોલીસ પરીવાર દ્વારા ભક્તિભાવ સાથે માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Latest Stories