સદીના મહાનાયકનું બિરૂદ મેળવી ચુકેલાં બિગ બી અમિતાભના 78 માં જન્મદિવસે ભરૂચ ખાતે રહેતાં તેમના ચાહકે વિનામૂલ્યે લોકોને ચા પીવડાવી તથા કેક કાપીને ઉજવણી કરી હતી. સ્ટાર ઓફ મિલેનિયમ' અને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત સદીના મહાનાયકને થોડા સમય પહેલા દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો. હરિવંશરાય બચ્ચન જેવા લાગણીશીલ કવિના ભાવુક પુત્ર એટલે અમિતાભ બચ્ચન, અવિચલ, અવિરત અગ્રેસર અમિતાભ બચ્ચન તેમના જન્મના 78 વર્ષ પૂર્ણ કરી 79 વર્ષ માં પ્રવેશ કર્યો છે. અમિતાભ બચ્ચનના ચાહકો પુરા વિશ્વમાં છે આજે સદીના મહાનાયકના જન્મદિવસને તેમના ચાહકોએ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચમાં પણ મહાત્મા ગાંધી રોડ પર મહાનાયક અમિતાભના ચાહક કે જેઓના સ્ટોલનું નામ પણ બિગ બી ટી સ્ટોલ છે તેવા મુળજીભાઈ ગલચરે પણ આજે બિગ બી ના જન્મદિવસે દરેક ગ્રાહકને વિનામૂલ્યે ચા પીવડાવી હતી અને કેક કાપી ઉજવણી કરી હતી. સાથે સદીના મહાનાયક અમિતાભ બચચનના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી.
ભરૂચની સાથે સુરતમાં રહેતાં ચાહકોએ પણ તેમના માનીતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ નિમિત્તે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 150 થી 200 જેટલા લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી હતી.