મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.
સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
