ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના માલવણ ગામે માલધારીના પશુઓનો સિંહ પરિવારે શિકાર કર્યાની ઘટના સામે આવી છે. જેમાં 7થી વધુ પશુનું સિંહ પરિવારે મારણ કરતાં વન વિભાગ દોડતું થઈ ગયું છે.
વનના રાજા સિંહોએ હવે ભાવનગર નજીકના વિસ્તારોમાં પણ આંટાફેરા વધારી દેતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. હજુ થોડા દિવસ પૂર્વે ગોપીનાથ વિસ્તાર નજીક સિંહ પરિવાર જોવા મળ્યો હતો, ત્યારે ગત રાત્રિના સિહોર તાલુકાના માલવણ ગામ નજીક અન્ય વિસ્તારોમાંમાંથી પોતાના માલઢોર લઈને આવેલા માલધારીઓના પશુ ટોળા પર સિંહ પરિવાર ત્રાટક્યો હતો. જેમાં 2 ગાય, 3 બકરા, 2 ઘેટાં સહિતના પશુને સિંહ પરિવારે પોતાનો શિકાર બનાવ્યો હતો.
સમગ્ર ઘટના અંગે માલધારીએ જણાવ્યુ હતું કે, સિંહોના આ વિસ્તારમાં સતત આંટાફેરા વધી રહ્યા છે. સિંહ પરિવારે 7થી વધુ પશુનું મારણ કર્યું છે, જ્યારે હજી 3 જેટલા વાછરડા ગુમ છે. આ અંગે વન વિભાગને વારંવાર જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું પણ માલધારીઓએ જણાવ્યુ હતું. જોકે સિંહ પરિવારે 7થી વધુ પશુના શિકારની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું હતું. જેમાં વન વિભાગની તપાસ દરમ્યાન સિંહ દ્વારા શિકાર કરાયો હોવાની પુષ્ટિ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.