/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/20130748/993-05.jpeg)
ભાવનગર જિલ્લામાં કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, એસ.પી.ઓફિસ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જ્યાં આવતા તમામ અરજદારોના ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જિલ્લા કલેકટરની સૂચના અન્વયે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તથા એસ.પી.ઓફિસમાં આવતા અરજદારોના પણ ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય કચેરીઓ તેમજ શહેરની મુખ્ય બજારો તથા જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખાતે પણ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, તહેવારોના કારણે લોકોનો પરસ્પર સંપર્ક વધ્યો હોય તે સ્વાભાવિક છે. જેના કારણે કોરોના કેસની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતાને નકારી શકાય નહીં, તેથી આગામી 10 દિવસો સાવચેતીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ આ સમયગાળામાં કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોના વધુમાં વધુ કોરોના ટેસ્ટ થાય તે પણ ખૂબ જ જરૂરી છે. જેથી જિલ્લાની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, ભાવનગર મહાનગરપાલિકા તેમજ એસ.પી. કચેરી તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિતની કચેરીઓ કે, જ્યાં લોકો બહોળા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય ત્યાં અરજદારોના ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે માટેની તમામ તૈયારીઓ લગત કચેરીઓ ખાતે પૂર્ણ કરવામાં છે અને જરૂરી મેડિકલ સ્ટાફ સાથેની ટીમો દરેક કચેરીઓ ખાતે ફાળવી દેવાઈ છે.
સાથે સાથે શહેરના મુખ્ય બજારો કે જ્યાં લોકોની અવર જવર વધુ રહે છે, ત્યાં પણ તંત્ર દ્વારા આકસ્મિક કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે અને માસ્ક નહીં પહેરેલા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યુ હતું. જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નરે નાગરિકોને અપીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા લોકો સ્વયં જાગૃત બની સામે ચાલી કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવે અને કોવિડની માર્ગદર્શિકાની ચુસ્તપણે પાલન કરી ભાવનગર જિલ્લાને કોરોનામુક્ત કરવા તંત્રને પોતાનો ઉચિત સહયોગ આપે તે ખૂબ જ જરૂરી બન્યું છે.