ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે સાતમ-આઠમ નિમિત્તે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા તાલુકામાં શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાતમ-આઠમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે દર્શન અને ભાતીગળ મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ માતાજીને કુલેર અને શ્રીફળની પ્રસાદી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ શીતળા માતાજીને કુલેર અને શ્રીફળની પ્રસાદી અર્પણ કરી હતી. આ સાથે જ વિવિધ માનતાઓ રાખનારા ભક્તો દ્વારા કોડીથી બનેલી આંખ તેમજ લાકડાથી બનેલા પગ માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યાં માનતા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
ભાવનગરમાં પરંપરાગત મેળાને લઈને વિવિધ ખાણીપીણીના સ્ટોલ, રમકડાં અને આકર્ષક ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે બાળકો માટે મીની ચગડોળ સહિતની વિવિધ રાઇડ્સ પણ મેળાનું ખાસ આકર્ષણ બની હતી. શ્રદ્ધા, આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ સર્જતા ઘોઘા રોડના શીતળા માતાજીના ભાતીગળ મેળામાં હજારો લોકોની ભીડ જામતા સમગ્ર વિસ્તાર મેળાના રંગે રંગાયો હતો.
