ભરૂચની રચના નગર સહિત 3 સોસાયટી વિસ્તારમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક આશરે 30 મીટર ઊંચા મોબાઈલ ટાવરનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો છે

ભરૂચ નગરપાલિકા હદમાં આવેલા વોર્ડ નંબર-5ની પુષ્પમ, આશાપુરી અને રચના નગર-1 થી 5 સોસાયટી વિસ્તારમાં 132 KV હાઈટેન્શન લાઈન નજીક આશરે 30 મીટર ઊંચા મોબાઈલ ટાવરનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે.રહીશોએ ટાવરની જરૂરી મંજૂરીઓ, હાઈટેન્શન લાઈનથી સલામત અંતર તેમજ ટાવરની ટેકનિકલ સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા છે. કુદરતી આપત્તિ દરમિયાન ટાવર હાઈટેન્શન લાઈન તરફ તૂટી પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.સાથે જ મોબાઈલ ટાવરના RF રેડિયેશનના સલામતી ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની તપાસની માંગ કરવામાં આવી છે.આ મામલે રહીશોએ ભરૂચ નગરપાલિકા, કલેક્ટર, SDM, GETCO અને પોલીસ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.