ભાવનગર : “સાથી હાથ બઢાના... એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના” ગીતને સાર્થક કરતા ઝરિયા ગામના નાગરિકો

ભાવનગર : “સાથી હાથ બઢાના... એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના” ગીતને સાર્થક કરતા ઝરિયા ગામના નાગરિકો
New Update

તાઉ-તે વાવાઝોડાને પગલે ભારે પવન અને ઝાડ પડી જવાને કારણે ભાવનગર શહેર સાથે જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર થઇ હતી. જિલ્લામાં આશરે ૧૦,૫૦૦ જેટલાં વીજળીના થાંભલાં સાથે ઘણા બધા ટ્રાન્સફોર્મર પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. જેના કારણે જિલ્લાના ગામોમાં ઝડપથી વીજ પુરવઠો સ્થાપિત કરવો વીજ વિભાગ માટે પણ મુશ્કેલ કાર્ય હતું. વીજ વિભાગના કર્મચારીઓ ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ પુરવઠો સ્થાપિત થાય તે માટે રાત- દિવસ મહેનત કરતાં હતાં. પરંતુ, આ મહાકાય ટાસ્ક હતું. જેને એક દિવસમાં પૂર્ણ કરવું બહું કપરું કામ હતું.

ભાવનગર જિલ્લામાં વીજ પુરવઠો બહાલ કરવાં માટે ખાસ રીતે ‘રોપેક્ષ ફેરી’ મારફતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ૪૦૦ જેટલો સ્ટાફ પણ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લાના વીજ કર્મચારીઓ-ઇજનેરોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ 2 દિવસીય ભાવનગર જિલ્લાની મુલાકાત લઇને તળાજા અને મહુવા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવતા વીજ વિભાગને ઉર્જાવાન બનાવી કામગીરીમાં ગતિશીલતા આણી હતી. વાવાઝોડા બાદના કપરાં સંજોગોમાં અંતરિયાળ ગામોમાં અઠવાડિયા પહેલા ગામમાં ફરીથી વીજ પુરવઠો ચાલું કરી શકાય તેવી શક્યતા ખૂબ ઓછી હતી.

સિહોર તાલુકાનું આવું જ એક ગામ ઝરિયા હતું કે, જ્યાં પણ અનેક વીજ થાંભલાં પડી જવાથી વીજ પુરવઠો ઝડપથી આપી શકાય તેમ ન હતો. વળી, ઝરિયા ગામમાં આવતી વીજળીની લાઇન સાંઢિડા વન વિસ્તારમાંથી આવે છે. ભારે પવનને કારણે જંગલ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઝાડ પડી જવાને કારણે વીજળીના અનેક થાંભલાં પડી ગયાં હતાં.

આ ઉપરાંત ઓછું હોય તેમ ઝરિયા ગામ પથરાળ અને પહાડી ઉંચી ટેકરી પર આવેલું ગામ હોવાથી વીજ પુરવઠો શરૂ કરવાં માટે ઘણી મહેનત અને સમય માંગી લેતું કામ હતું. આ વાતની જાણ થતાં ગામના આગેવાનોએ વીજ વિભાગને તમામ મદદની ખાતરી આપી અને તેઓ જરૂરી તમામ મદદ કરશે તેમ જણાવ્યું હતું. આ કામ માટે ગામના ૨૩ વર્ષના કોલેજિયન યુવાનથી માંડીને ૭૫ વર્ષના ખેડૂત સહિતના ૫૦ લોકોની ટીમ આ કામ માટે એકઠી થઇ અને કામે લાગી.

ગામના ટ્રેક્ટરને પણ આ કામ માટે કામે લગાવવામાં આવ્યા. આમ, ‘સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાના’ને સાર્થક કરતા ભાવનગર જિલ્લાના ઝરિયા ગામના નાગરિકોએ આ રીતે મુશ્કેલ જણાતું કામ ઘણું આસાન બનાવી દીધું હતું. આમ, વીજ વિભાગના માર્ગદર્શન અને ગામ લોકોના સહયોગથી ઝરિયા ગામમાં જે વિજળી એક અઠવાડિયા પછી આવવાની હતી તે માત્ર એક જ દિવસમાં આવી ગઇ અને તે રીતે અન્ય ગામ લોકો માટે પણ ઝરિયા ગામે એક આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

આ અંગે ઝરિયા ગામના આગેવાનએ જણાવ્યું હતું કે, ગામમાં વીજળી જવાથી ગામમાં પાણી પુરવઠો બંધ થઇ ગયો હતો. ગામની ઘંટી બંધ થવાથી દરણાં દરાવવાં ક્યાં જવું તે પ્રશ્ન હતો. તેથી વીજ વિભાગના કર્મચારીઓ સાથે જોડાઇને વીજળીના થાંભલાં ઉભા કરવાં, વીજળીના તારને ખેંચીને જોડવા, ખાડા કરીને નવાં વીજળીના થાંભલાં નાંખવા વગેરે જેવાં કામ માટે અમારા ગામના ૪૦થી ૫૦ લોકોની ટીમ કામે લાગી ગઇ અને તેને કારણે માત્ર એક જ દિવસમાં ફરીથી ગામમાં વીજ પુરવઠો સ્થાપિત થઇ ગયો.

#Gujarat Tauktae Cyclone Effect #Bhavnagar #Tauktae Cyclone #bhavnagar news
Here are a few more articles:
Read the Next Article