Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: જમાલપૂર વિસ્તારમાં ભાઈગીરી કરતા એક જ પરિવારના 5 લોકો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો

અમદાવાદ શહેર ના જમાલપુર વિસ્તારમાં એક જ પરિવારના સભ્યોએ ગેંગ બનાવી વિસ્તારમાં એટલી હદે ખોફ ઊભો કર્યો હતો

અમદાવાદ: જમાલપૂર વિસ્તારમાં ભાઈગીરી કરતા એક જ પરિવારના 5 લોકો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો
X

અમદાવાદ શહેર ના જમાલપુર વિસ્તારમાં એક જ પરિવારના સભ્યોએ ગેંગ બનાવી વિસ્તારમાં એટલી હદે ખોફ ઊભો કર્યો હતો કે કોઈપણ વ્યક્તિ તેની સામે ફરિયાદ કરતા પહેલા સો વખત વિચાર કરતા. હવે પોલીસે ભાઈગીરી કરતી ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસ્યો છે અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોકના કાયદા અંતર્ગત કાર્યવાહી કરી છે.શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક ગેંગે લોકોના નાકે દમ લાવી દીધો હતો. છ સભ્યોની આ ગેંગમાં એક જ પરિવારના પાંચ સભ્યો છે. જેમના વિરુદ્ધમાં અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે. એક પછી એક ગંભીર ગુનાને અંજામ આપતી આ ગેંગ વિરૂદ્ધમાં પોલીસે હવે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરી છે.

આ ગેંગમાં 3 સગા ભાઈ, તેમના 2 પુત્રો અને અન્ય એક આરોપી સામેલ છે. ગેંગના મુખ્ય આરોપી બાલમ ખાન પઠાણ હતો, પરંતુ એક વાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણે સંભાળ્યો હતો. આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો સહેજ પણ ખચકાતો નહીં. આ ગેંગના આરોપીઓએ અત્યાર સુધીમાં અલગ-અલગ 40 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ ગેંગના સભ્યો ની વાત કરીએ તો આરોપી બાલમ ખાન પઠાણ, અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણેય સગા ભાઈઓ છે. જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે. અન્ય એક સાગરીત મઝહર ખાન પઠાણ છે. આ ગેંગ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ ગુના આચરી ચૂકી છે. છેલ્લા 8 વર્ષ થી આ ગેંગ સક્રિય થઈ હતી. જેમના ત્રાસથી જમાલપુર વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. કારણ કે આરોપીઓ સામાન્ય બાબત પર જીવલેણ હુમલો કરી દેતા હતા. એટલું જ નહીં, સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવા અને મારામારી કરવી તેમના માટે નજીવી બાબત બની ગઈ હતી. જેને લઈ સ્થાનિકોમાં એક ડર બેસી ગયો હતો. જેમાં મોટાભાગના લોકો આ ગેંગ સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવામાં પણ ડરી રહ્યા છે. જમાલપુરના કેટલાક વિસ્તારમાં જો કોઈ બાંધકામ કરે તો આ ગેંગ દ્વારા તેની પાસે પૈસા પડાવવામાં આવતા હતા અને એવું કહેતા કે, વિસ્તારમાં હમઝા ટેક્સ અને બાલમ ટેક્ષ વગર બાંધકામ ન કરી શકે. આવી રીતે આ ગેંગ સ્થાનિકો હેરાન કરતી હતી. ત્યારે આરોપી હમઝા ખાનએ મ્યુ. કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે 10 દુકાન અને એક બંગલો પણ બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય તેઓની અન્ય સંપત્તિને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે આ સમગ્ર ગુનાની તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશ બાદ એસીપી ની અધ્યક્ષતામાં એક એસઆઇટીની પણ રચના કરવામાં આવી છે.

Next Story