Connect Gujarat
બ્લોગ

Blog by ઋષિ દવે : હવે બધા ભણશે...હવે કોઈ શાળાને તાળા નહિ વાગે : મસ્તીની પાઠશાળા..!

ભરૂચ નાટ્યપ્રેમી દર્શકોને - ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ નાટકોની વર્ષોથી ભેટ ધરનાર દીપકલા સાંસ્કૃતિક કેન્દ્રના પ્રણેતા દિપેનભાઈ ભટ્ટે વર્ષ 2023 ના અંતિમ દિવસે આમંત્રણ પાઠવ્યું.

Blog by  ઋષિ દવે : હવે બધા ભણશે...હવે કોઈ શાળાને તાળા નહિ વાગે : મસ્તીની પાઠશાળા..!
X

ભરૂચ નાટ્યપ્રેમી દર્શકોને - ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ નાટકોની વર્ષોથી ભેટ ધરનાર દીપકલા સાંસ્કૃતિક કેન્દ્રના પ્રણેતા દિપેનભાઈ ભટ્ટે વર્ષ 2023 ના અંતિમ દિવસે આમંત્રણ પાઠવ્યું. ઋષિભાઈ, પરિવાર સાથે પધારો રાજહંસ મલ્ટીપ્લેક્ષમાં સવારે નવ કલાકે ગુજરાતી બાળ ફિલ્મ 'મસ્તીની પાઠશાળા' જોવા ફિલ્મ પત્યા પછી શિક્ષણ ક્ષેત્રે નામાંકિત મહાનુભાવએ નાટકના લેખક, નિર્માતા દિગ્દર્શકની ઉપસ્થિતિમાં આ ફિલ્મ વિશે પ્રતિભાવ આપ્યા. બધાનો એક સુર હતો, આ ફિલ્મ જોવી જોઈએ.

ગુજરાતી બાળ ફિલ્મ મલ્ટીપ્લેક્ષમાં સવારે નવ વાગે જોવા જવાનું આયોજન શા માટે ? સ્કૂલના વિધાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, સંચાલન કરે, પેરેન્ટ્સ સંતાનને લઈને બતાવવા જાય. ખાસ કરીને જે બી. એડ. ની ઉપાધિ મેળવી શિક્ષક બનવા માંગે છે એમણે "મસ્તીની પાઠશાળા" જોવી શા માટે? ઘરની વહુઓ ઘરકામ કરે, ઉંબરો ઓળંગે નહિ, રસોડું અને ખેતર સંભાળે, ચૂલો સળગાવી રોટલા ઘડે અને વડીલોની સેવા ચાકરી કરે, ધણીની ધાકમાં રહે, ઘૂંઘટ તાણે એવી ઓગણીસમી સદીમાં જીવતા ખાનદાન આબરૂ, સમાજ શું કહેશે ? ના આડંબરમાંથી સીધા વૃદ્ધત્ત્વ પામતા પરિવારો હજુ પણ આપણી આસપાસ જીવે છે.

આજની ડિજિટલ પેઢી કલ્પી ના શકે એવા રીતરિવાજોનાં અજગર ભરડામાં બે પેઢી વચ્ચેનું અંતર જેટલું છે એટલું જ રહે છે.એમાં તસુભાર ફેર પડતો નથી ત્યારે મસ્તીની પાઠશાળાના રાઇટર વિપુલ શર્મા એ હામ ભીડીને ફિલ્મની વાર્તા લખીને શિક્ષણ જગતના હજારો ઘડવૈયાઓને ગ્રામ્ય વિસ્તારની શૈક્ષણિક શાળાનો નગ્ન ચિતાર રજુ કર્યો છે.

ગામમાં શાળા હોય એમાં શિક્ષક બરાબર ભણાવે છે કે નહિ ? વિધાર્થીઓ ભણે છે કે નહિ ? શાળાનું મકાન એની સાફ સફાઈ. આંતરમાળખાકીય જરૂરિયાત એ બધાની વ્યવસ્થા અને જવાબદાર ગામના સરપંચના શિરે હોય છે. એવા ગામમાંથી સરકારી નિયમ પ્રમાણે 30 થી ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શાળા બંધ કરવાનો પરિપત્ર આવે અને શાળાને ખંભાતી તાળું લાગે. સરપંચ અને વિદ્યાર્થીઓની ભણવાની તીવ્ર ઈચ્છા એટલે બાજુના માધવપરા ગામમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એવી વ્યવસ્થા થાય પણ ગામના લોકો વિરોધ કરે ને વાત ભાંગી પડે. જગો એની પત્ની વિદ્યાને બી. એડ. કરાવવા પ્રોત્સાહિત કરે. ઓપન યુનિવર્સીટીમાંથી કોર્ષ કરાવવાનું ખાનગીમાં આયોજન કરે. વિદ્યા ગામની છોકરીઓને ભણતી વખતે નડતી મુશ્કેલી દૂર કરે, સંતોક્બાથી ખાનગી રાહે. ફિલ્મના અંતે વિધ્નોની પરંપરા સર્જાતા આખરે શાળા શરુ થાય.

'મસ્તીની પાઠશાળાની" પંચલાઈન છે "હવે બધા ભણશે"

સરપંચ તરીકે અશુ જોષી, જગાના પાત્રમાં જય પંડ્યા, સંતોક્બા પરિવાર પૂરતો નહિ આખા ગામનો અણગમો વહોરી લેતા કડક સાસુમા તરીકે દીપિકા રાવલ અને સમજુ, નમણી, ઠરેલ વહુ તરીકે શ્રેયા દવે એ અભિનયના અજવાળા પાથર્યા છે. શાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ મિનિમમ 100 ટિકિટનું બુકીંગ કરશે તો ભરૂચ અને અંકલેશ્વરના મલ્ટીપ્લેક્ષમાં સવારે નવ વાગે "મસ્તીની પાઠશાળા" જોઈ શકાશે.

બ. કે. ઠાકોર, કે. માં. મુન્શીની ભૂમિમાં "મસ્તીની પાઠશાળા" ના દર્શક બની નવા વર્ષની ભેટ ધરિયે એજ અભ્યર્થના.

Next Story