દેશમાં વાહનોના વેચાણમાં વધારા સાથે વ્હીકલ ફાઇનાન્સનું માર્કેટ પણ વધી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં વાહનો માટે બેંકો પાસેથી લોન લેનારા લોકોની સંખ્યા હોમ લોન લેનારા લોકોની સંખ્યા કરતાં વધુ વધી છે. આરબીઆઈના ડેટા અનુસાર, વધુ લોકો મકાન ખરીદવા કરતાં વાહનો ખરીદવા માટે લોન લઈ રહ્યા છે.
આરબીઆઈના છેલ્લા કેટલાક વર્ષોના અહેવાલ પર નજર કરીએ તો 2019ની સરખામણીએ ઓક્ટોબર 2023માં વાહન લોનમાં 167%નો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન હાઉસિંગ લોનની વૃદ્ધિ 102.14% નોંધાઈ છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો કહે છે કે હોમ લોનની સરખામણીમાં વાહન લોનની ટિકિટનું કદ ઓછું છે. આ સિવાય ઓટોમોબાઇલ સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન લોનનો ગ્રોથ વધારે છે. બેંકો દ્વારા વિતરિત કરવામાં આવતી વ્યક્તિગત લોનમાં વાહન લોનનો હિસ્સો 10% થી વધુ રહે છે. 2021 ની તુલનામાં, વાહન લોનની વૃદ્ધિ 46.32% હતી જ્યારે હાઉસિંગ લોનની વૃદ્ધિ 59.73% હતી.