દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે હવે લોકોને વાહન ફેરવવું પોસાય તે માટે વાહનોમાં CNG કીટ ફિટ કરાવી રહ્યા છે. પરંતુ હવે CNG ગેસમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે CNGમાં પ્રતિ કિલોએ જૂનો ભાવ 52.45 રૂપિયા હતો, જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે.
ગુજરાત ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કર્યા બાદ વાહનોમાં વપરાતો ગેસ એટલે કે, CNG ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 7 લાખ જેટલા વાહનો CNG ગેસ પર ચાલે છે. તેમના ચાલકોને આ ભાવ વધારાની સીધી અસર પડશે. ગુજરાત ગેસ કંપનીના આખા રાજ્યમાં 450થી વધારે પંપ છે. ગુજરાતમાં ગેસમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં CNG ગેસના સૌથી વધારે ભાવ અદાણી ગેસના છે. અદાણી ગેસનો ભાવ 55.30 રૂપિયા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઇપ નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે.
જોકે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં લોકો હવે પોતાના વાહનમાં CNG કીટ ફિટ કરાવી રહ્યા છે. પરંતુ હવે તેમાં પણ ભાવ વધારો થતાં લોકો પર વધુ એક બોજ વધ્યું છે. બીજી તરફ લોકોના ખર્ચમાં વધારો થતા નવા ટુ-વ્હીલર તેમજ પેસેન્જર વાહનોની માંગમાં ઘટાડો થયો છે. ઉદભવેલ આ પ્રતિકૂળતાના વિકલ્પ તરીકે લોકો હવે CNG અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. તેમાં પણ લોકો દ્વારા CNGજી વાહનોને પ્રાધાન્ય અપાતા વિતેલા 2020-21ના નાણાકીય વર્ષ દરમ્યાન CNG વાહનોના વેચાણમાં નોંધપાત્ર એવો 49 ટકાનો વધારો નોંધાયો હતો.