IMF દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે એશિયા પેસિફિક ક્ષેત્રના વિકાસ દરનો અંદાજ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને ચીનની અર્થવ્યવસ્થાના કારણે એશિયા પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર 4.6 ટકા રહી શકે છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા એશિયા-પેસિફિક ક્ષેત્ર માટે વૃદ્ધિની આગાહી 3.8 ટકાથી વધારીને 4.6 ટકા કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી નાણાકીય સંસ્થા દ્વારા અંદાજમાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પશ્ચિમી દેશોની મોટી અર્થવ્યવસ્થાઓ મંદીના ભયનો સામનો કરી રહી છે. IMFએ કહ્યું છે કે, એશિયા-પેસિફિક ક્ષેત્રનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 4.6 ટકા રહી શકે છે. જે 2022માં 3.8 ટકા હતો. આ ઓક્ટોબર 2022માં વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં આપવામાં આવેલા અંદાજ કરતાં 0.30 ટકા વધારે છે. આ વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનો રહેશે. એશિયા-પેસિફિક ક્ષેત્રની બે મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત અને ચીનનું નામ આવે છે. હાલમાં પશ્ચિમી દેશોની સરખામણીએ ભારત અને ચીનની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. આ કારણોસર, IMFએ કહ્યું છે કે, એશિયા-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસમાં 70 ટકા યોગદાન આપશે. ચીનની પુનઃ પ્રાપ્તિ અને ભારતીય અર્થતંત્રની સતત વૃદ્ધિને કારણે એશિયન અર્થ વ્યવસ્થામાં ગતિ જળવાઈ રહેશે. ઉપરાંત, બાકીના એશિયામાં વૃદ્ધિ અન્ય પ્રદેશોની જેમ 2023માં નીચા સ્તરે રહેવાની ધારણા છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 6.3 ટકાના દરે વધી શકે છે. તે જ સમયે, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24માં 6.5 ટકા વૃદ્ધિ દરની આગાહી પણ કરી છે. આરબીઆઈના અંદાજ મુજબ, 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાની ધારણા છે. તો બીજી બાજુ, પછીના ક્વાર્ટરની વાત કરીએ તો, RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દરનો અંદાજ લગાવવામાં આવ્યો છે.