CAAનો ગુજરાતમાં થશે અમલ, આજે 3500 પાકિસ્તાની હિન્દુઓને ગુજરાત સરકાર ભારતીય નાગરિકતાનો દર્જો આપશે

CAAનો ગુજરાતમાં થશે અમલ, આજે 3500 પાકિસ્તાની હિન્દુઓને ગુજરાત સરકાર ભારતીય નાગરિકતાનો દર્જો આપશે
New Update

ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ અને બનાસકાંઠામાં રહેતા અંદાજે 3,500 હિન્દુ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટેની કાર્યવાહીનો પ્રારંભ થશે. સિટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ એક્ટ (CAA)ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેના અમલીકરણની દિશામાં ગુજરાત તેમાં અગ્રેસર બનશે. ગુજરાતની રૂપાણી સરકાર પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરશે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આવા તમામ લોકોને એકત્રિત કરી તેમની નોંધણી કરાવશે.

પાકિસ્તાનથી આવેલા હિન્દુઓમાં સૌથી મોટો હિસ્સો સોઢા રાજપૂત સમાજનો

આ બધા વચ્ચે સૌથી મોટો હિસ્સો પાકિસ્તાનથી ભારત આવેલા સોઢા રાજપૂત સમાજનો છે જેઓ ગુજરાતી ભાષા બોલે છે, તથા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલાં અત્યાચારોથી ત્રાસીને ભારત આવીને વસી ગયા હતા. આ શરણાર્થીઓમાં હાલ 1,100 લોકો મોરબી, 1,000 લોકો રાજકોટ, 250 લોકો કચ્છ, જ્યારે 500 લોકો બનાસકાંઠા અને બાકીના અન્ય જિલ્લાઓમાં વસવાટ કરે છે.

આ તમામ શરણાર્થીઓ હિન્દુ છે તેઓ પાકિસ્તાનમાં લઘુમતી તરીકે રહેતાં હતાં. પાકિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ અત્યાચારનો વારંવાર ભોગ બનતા તેઓ માટે અન્ય કોઇ વિકલ્પ ન હતો. હાલ તેઓ ભારતના કાયદેસર નાગરિક ન હોવાથી તેમને કોઇ ભારતીય સરકારી યોજનાનો લાભ મળી શકતો નથી, અને તેથી તેઓ હજુ પણ કરૂણ સ્થિતિમાં જ જીવે છે.

કેન્દ્રિય મંત્રી માંડવિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે કાયદેસર રીતે આ તમામ લોકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાનો લાભ ન મળતો હોવાથી તેઓની સ્થિતિ સુધારી શકાઇ નથી. હવે તેઓ પાકિસ્તાન પરત જઇ શકે તેમ નથી અને શરણાર્થીને બદલે તેમને કાયદેસર નાગરિકતા મળશે.

ગુજરાતમાં નાની-મોટી રોજગારી મેળવવા છૂટા છવાયાં વસી ગયાં છે

આમાંના ઘણાં છેલ્લાં પંદર વર્ષમાં જ ભાગીને ગુજરાતમાં આવીને વસી ગયાં છે. તેઓ કોઇ ચોક્કસ સમુદાય કે વસ્તીમાં રહેવાને બદલે હાલ ગુજરાતમાં નાની-મોટી રોજગારી મેળવવા છૂટા છવાયાં વસી ગયાં છે. હજુ પણ અન્ય આવાં લોકોને શોધીને તેમને નાગરિકતા અપાવવા માટે પ્રયત્ન કરાશે.

#Gandhinagar #BJP #Gandhidham
Here are a few more articles:
Read the Next Article