નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં સજા કાપી રહ્યા છે. આ કેસમાં ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો ઈનકાર કરતા અરજી નામંજૂર કરી હતી. કોર્ટે કહ્યું કે, જામીન મંજૂર કરવાથી ખોટો મેસેજ જઈ શકે છે.
હાઈકોર્ટે કહ્યું, તેમને અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે છોડ્યા હતા, છતાં ક્રાઇમમાં સંડોવાયા છે. સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તે લોકો છૂટી જાય છે. જો તેમને જામીન આપવામાં આવે તો ખોટો મેસેજ જઈ શકે છે.
નર્મદાની ટ્રાયલ કોર્ટે 23 જૂને પોતાનો ચુકાદો આપતાં ગેરકાયદે મંડળી રચવી, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ ઉભી કરવી, ગુનાહિત ધાકધમકી આપવી અને જબરદસ્તીથી પૈસા પડાવવા સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ચૈતર વસાવા અને શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે દરેકને સાત વર્ષની કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.
