રાજયમાં માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવતો હોવાથી પોલીસ સામે લોકોમાં રોષ છે પણ નસવાડીમાં પોલીસે એવું કાર્ય કર્યું છે કે તમે પણ પોલીસના વખાણ કરવાનું ચુકશો નહિ......
છોટાઉદેપુરએ આદીવાસી બાહુલ્ય વસતી ધરાવતો જીલ્લો છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 212 જેટલા ગામોનો સમાવેશ થવા જાય છે. નસવાડી ખાતે દર રવિવારે હાટ બજાર ભરાય છે અને આદિવાસી સમાજમાં હાટબજારમાંથી જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવાની પરંપરા ચાલતી આવે છે. ડુંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારમાં રહેતાં લોકો સપ્તાહમાં રવિવારના રોજ હાટ બજારમાં આવી વસ્તુઓની ખરીદી કરતાં હોય છે. હાલમાં રાજયભરમાં કોરોનાની મહામારી ઝડપથી ફેલાય રહી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે દરેક લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહિ પહેરનારાઓ લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં પણ માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે નસવાડી પોલીસ તરફથી નવતર અભિગમ અપનાવાયો છે. રવિવારના રોજ હાટ બજારમાં પહોંચી પોલીસની ટીમે લોકોને વિના મુલ્યે માસ્ક આપ્યાં હતાં તેમજ સોશિયલ ડીસ્ટન્સ કેવી રીતે જાળવવું તેની સમજ આપી હતી. નસવાડી તાલુકામાં કોરોનાના કેસની સંખ્યા ઓછી છે પણ રોગચાળાને ફેલાતો રોકવા પોલીસના નવતર અભિગમને ખરીદી માટે આવેલાં લોકોએ આવકાર્યો હતો.