અમરોલીમાં ગત મોડી રાત્રે 2 જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું

બન્ને જૂથ વચ્ચે પાવડા-દંડાથી મારામારી સહિત પથ્થરમારો

મકાન પચાવી પાડવા મુદ્દે ધીંગાણું સર્જાયું હોવાનું સામે આવ્યું

પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરાયો, 10થી વધુ લોકો ઘાયલ

મારામારી-પથ્થરમારાને પગલે સ્થાનિકોમાં દહેશતનો માહોલ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવત અને મકાન પચાવી પાડવાના વિવાદમાં મારામારી અને પથ્થરમારો થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

સુરત શહેરના અમરોલી વિસ્તારના જૂના કોસાડ રોડ પર આવેલી મનીષા સોસાયટીમાં બે જૂથ વચ્ચે જૂની અદાવત અને મકાન પચાવી પાડવાના વિવાદમાં મારામારી સહિત પથ્થરમારો થયો હતો. ફરિયાદી સંજય વરિયાના જણાવ્યા અનુસાર, ગત રાત્રે તેમની જ સોસાયટીમાં રહેતા 12 જેટલા લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. આરોપીઓએ જૂની અદાવત રાખી સંજયભાઈ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

હુમલાખોરોએ પાવડા અને લાકડાના આડેધડ ફટકા મારતાં સંજયભાઈના પરિવારના મહિલાઓ સહિત 7 સભ્યો લોહીલુહાણ થયા હતા. તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, સામા પક્ષે પણ મારામારીમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મારામારીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, ત્યારે હાલ તો અમરોલી પોલીસે બન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી 5 આરોપીઓની ધરપકડ સાથે આગળની તપાસ હાથ ધરી છે.