કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડીની નિંદા કરી છે. જંતર-મંતર પર ત્રિરંગો લહેરાવવા સંબંધિત આરોપો હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાની 5 દિવસની ન્યાયિક કસ્ટડીની નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ કોઈ ગુનો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન ત્રિરંગો લહેરાવવો એ ગુનો નથી. આ માટે યુવાનોને જેલમાં મોકલવા એ કાયરતાપૂર્ણ કૃત્ય છે.

વિદ્યાર્થીઓ, યુવાનો, પત્રકારો અને ‘INDIA’ ગઠબંધનના બેનરો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઉદ્દેશ્ય એક જ છે. આ તમામ વિરોધ પ્રદર્શનો મૂળભૂત રીતે એક સમાન છે – જેમાં નાગરિકો તેમના બંધારણીય અધિકારોની માંગ કરી રહ્યા છે. જંતર-મંતર ભારતની જનતાનું છે. અમે તેને પાછું મેળવીશું.” આ સમગ્ર ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા, CJPના સ્થાપક અભિજીત દીપકે કેન્દ્ર સરકાર પર અસંમતિના અવાજોને દબાવવાનો આરોપ મૂક્યો હતો અને માંગ કરી હતી કે, જો સરકાર વિરોધ પ્રદર્શનો અટકાવવા માંગતી હોય, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવી જોઈએ.