જર્મનીના ફ્રેન્કફર્ટથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બુધવારે સવારે ડરામણો ઘટનાક્રમ સર્જાયો હતો. ભારતીય એરસ્પેસમાં પ્રવેશતી વખતે જ વિમાન હાઇજેક થવાની શંકાનો એલર્ટ મળતાં સુરક્ષા તંત્રમાં ભારે હલચલ મચી ગઈ હતી. પ્રોટોકોલ અનુસાર દિલ્હી આવી રહેલી ફ્લાઇટને તાત્કાલિક જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, અને તેને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી.

ફ્લાઇટ નંબર AI 2030 જયપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ થયા બાદ શરૂઆતમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, એરપોર્ટના સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ બોમ્બની ધમકી નહોતી પરંતુ હાઇજેકની અફવા સંબંધિત એલર્ટ હતું. 

પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે એરક્રાફ્ટ ભારતીય એર સ્પેસની નજીક પહોંચ્યું ત્યારે આ સુરક્ષા એલર્ટ સામે આવ્યું હતું. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને તુરંત વાકેફ કરવામાં આવી હતી, જેના પગલે વિમાનને દિલ્હીને બદલે જયપુર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો હતો.

જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાંની સાથે જ CISF, રાજસ્થાન પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાન તેમજ તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલના નિયુક્ત હોલ્ડિંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પ્રારંભિક તબક્કે એરપોર્ટ ઓથોરિટી કે એર ઇન્ડિયા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

સૌથી મોટો ચોંકાવનારો વળાંક એ સામે આવ્યો છે કે આ આખી કવાયત કદાચ પાયલટની એક ભૂલનું પરિણામ હોઈ શકે છે. જયપુર એરપોર્ટ ડિરેક્ટર ચરણ સિંહે જણાવ્યું કે પ્રાથમિક સંકેતો મુજબ એવું જણાય છે કે પાયલટે ભૂલથી હાઇજેકનો કોલ કે સ્ક્વોક કોડ જારી કરી દીધો હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળના સાચા તથ્યો જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન અને ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.