કેન્દ્ર સરકારે જાહેર કરેલાં કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડુતોના ચાલી રહેલાં આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. આગામી દિવસોમાં કિસાનોના સમર્થનમાં યોજાનારા કાર્યક્રમો સંદર્ભમાં ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
કેન્દ્રની એનડીએ સરકારે તાજેતરમાં કૃષિને લગતા ત્રણ કાયદાઓ અમલમાં મુકયાં છે. આ કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે પંજાબ અને હરિયાણાના ખેડુતો આંદોલન કરી રહયાં છે અને તેમને દેશભરના ખેડુતોનો ટેકો મળી રહયો છે. વિપક્ષ કોંગ્રેસે પણ ખેડુત આંદોલનને સમર્થન આપ્યું છે. છેલ્લા 20 દિવસ ઉપરાંતથી ચાલી રહેલાં ખેડુતોના આંદોલનમાં 29 જેટલા ખેડુત ભાઈઓના મૃત્યુ થયા છે તેમને શ્રધ્ધાંજલી આપવા દરેક તાલુકા અને જિલ્લાકક્ષાએ મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવતે જણાવ્યું છે. ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.