નારણપુરા વિસ્તારમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયું

રૂ. 825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ

યુવા પ્રતિભાઓને વૈશ્વિક મંચ આપવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સજ્જ

તાલીમ, કન્ડિશનિંગ, ફિટનેસ સહિતની ઉત્કૃષ્ટ સુવિધા પ્રાપ્ત થશે

ગુજરાતના રમતવીરોને ઘરઆંગણે વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રૂ. 825 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ યુવા પ્રતિભાઓને વૈશ્વિક મંચ આપવા સંપૂર્ણ સજ્જ બન્યું છે.

ઑલિમ્પિક્સમાં દેશનો ત્રિરંગો ગર્વથી લહેરાવવાનું સ્વપ્ન જોતા ગુજરાતના રમતવીરોને હવે પોતાના આંગણે જ વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે. અમદાવાદના નારણપુરા ખાતે ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અત્યાધુનિક ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ યુવા પ્રતિભાઓને વૈશ્વિક મંચ આપવા સંપૂર્ણ સજ્જ છે. અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતોત્સવના યજમાન તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ સંકુલ સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સંકુલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને વિશેષ તાલીમ, કન્ડિશનિંગ અને ફિટનેસ સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવે છે.

અમદાવાદના અત્યાધુનિક ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’માં વૈશ્વિક ધોરણો મુજબનું એક્વાટિક્સ સેન્ટર, ખેલાડીઓ તેમજ પ્રશિક્ષકો માટે આધુનિક હોસ્ટેલ અને સુસજ્જ સ્પોર્ટ્સ મેડિકલ સેન્ટર પણ તૈયાર કરાયું છે. આ ઉપરાંત, સ્વિમિંગ, ટેનિસ, બાસ્કેટબૉલ, શૂટિંગ, કુસ્તી અને જિમ્નાસ્ટિક્સ સહિત 18 જેટલી રમતો માટે અદ્યતન ઇનડોર અને આઉટડોર વ્યવસ્થાઓ મોજૂદ છે. આશરે 1.19 લાખ ચોરસ મીટરમાં વિસ્તરેલું આ સંકુલમાં 7 સુવ્યવસ્થિત પ્રવેશદ્વાર, હજારો દર્શકોની બેઠક ક્ષમતા અને 900થી વધુ વાહનો માટેના પાર્કિંગ સાથે ગુજરાતના રમતગમત ક્ષેત્રને એક નવી ઊંચાઈ બક્ષશે.