ભરૂચ શહેરના મકતમપુર નજીક આવેલા નર્મદા બંગ્લોઝમાં થયેલી ઘરફોડ ચોરીનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ભેદ ઉકેલી સિકલીગર ગેંગના એક સાગરીતને અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ અન્ય બે સાગરીતો સાથે મળીને મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે, જ્યારે અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.ગત તા.13 ઓક્ટોબર, 2026ના રોજ મકતમપુર નજીક નર્મદા બંગ્લોઝમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા બાદ લોખંડની તિજોરી તોડી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 1,82,548ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ મામલે LCBની ટીમો તપાસમાં જોડાઈ CCTV ફૂટેજનું વિશ્લેષણ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ચોરીના ગુનામાં ભરૂચની સાબુગઢ ઝૂંપડપટ્ટીમાં રહેતા સતનામ સિકલીગરની સંડોવણી છે અને તે અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે PSI એ.વી. શિયાળીયાની ટીમે અમદાવાદ પહોંચી વોચ ગોઠવી આરોપી સતનામ S/O ચંદાસિંગ ધનુસિંગ સિકલીગરને ઝડપી પાડ્યો હતો.પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ગત 13 ઓક્ટોબરની રાત્રે લખનસિંગ બાવરી અને સંજુ વસાવા સાથે મળીને ભરૂચ શહેરમાં ચોરી કરવા નીકળ્યા હોવાનું અને નર્મદા બંગ્લોઝમાં મકાનનો નકૂચો તોડી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.