સતત સળગતી ચિત્તાઓ પણ મૃતદેહો કતારમાં, સ્મશાનોમાં ઉઠે છે દર્દની ચીસો : જુઓ કનેકટ ગુજરાત વિશેષ

New Update
સતત સળગતી ચિત્તાઓ પણ મૃતદેહો કતારમાં, સ્મશાનોમાં ઉઠે છે દર્દની ચીસો : જુઓ કનેકટ ગુજરાત વિશેષ

સ્મશાનોમાં ચિત્તાઓ સળગી રહી છે, મૃતકોના પરિવારજનોની આંખોમાં દુખની સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કયારે નંબર લાગશે તેની ઇન્તજારી.... રાજયના લગભગ દરેક સ્મશાનગૃહમાં આવો માહોલ છે. કોરોના વાયરસ કેટલી હદે વકરી ચુકયો છે તેનો ચિતાર ચિત્તાઓ આપી રહી છે. આપણી થોડી બેદરકારી કદાચ આપણને મોતના મુખમાં ધકેલી શકે છે. આજનું અમારા વિશેષ બુલેટીનમાં બતાવીશું સ્મશાનમાંથી ઉઠતી દર્દની ચીસો......

ગત જાન્યુઆરી મહિનામાં રાજયમાં કોરોનાનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં કોરોના વાયરસે ભરડો ફેલાવી દીધો હતો અને ટપોટપો લોકોના મૃત્યુ થતાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી. લોકડાઉનના કપરા મહિનાઓ પસાર કરી લોકો ફરી અનલોકમાં આવ્યાં છે પણ કોરોનાનથી નવી લહેર શરૂ થઇ છે. દરેક સોસાયટી, દરેક શેરી, દરેક મહોલ્લા, દરેક એપાર્ટમેન્ટ, દરેક વૈભવી બંગલાઓમાં કોરોનાએ દસ્તક દઇ દીધી છે. કોરોનાની નવી લહેરથી સૌ કોઇ અચંબિત છે કારણ કે નવા સ્ટ્રેઇનથી સંક્રમિત લોકો મૃત્યુ સામેનો જંગ સૌથી વધારે હારી રહયાં છે. ગુજરાતની વાત કરવામાં આવે તો રોજના 4 હજાર કરતાં વધારે કેસ આવી રહયાં છે. કોરોનાને રોકવા માટે સરકારે 20 શહેરોમાં રાત્રિ કરફયુ લગાવી દીધો છે જયારે અનેક શહેરો અને ગામડાઓમાં લોકો સ્વયંભુ લોકડાઉન કરી રહયાં છે.....

સમગ્ર દેશમાં હાલ કોરોનાનું વેકસીનેશન ચાલી રહયું છે. જીવન બચાવવા માટે લોકો જીવ જોખમમાં મુકી રસી મુકાવવા કતારમાં ઉભા રહે છે. તો બીજી તરફ સ્મશાનમાં પણ કતારો છે. પોતાના પરિવારના મૃતક સભ્યને મોક્ષ મળે તે માટે અંતિમસંસ્કાર કરવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહે છે. ચારેબાજુ મૃતદેહો વચ્ચે કોરોનાથી સંક્રમિત થવાનો ભય પણ ધાર્મિક વિધિ પુર્ણ કરવી પણ જરૂરી છે.....

દેશભરમાં કોરોનાની લહેર વચ્ચે વેકસીનેશનની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ઠેર ઠેર રસીકરણ કેમ્પ ધમધમી રહયાં છે. એક તરફ વેકસીનેશન છે તો બીજી તરફ કોરોનાના કેસ જેટ ગતિથી વધી રહયાં છે. કોરોનાથી બચવા લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે પણ કદાચ કોરોનાની રસી લઇશું તો જીવ બચી જશે તેવી આશા સાથે લોકો વેકસીનેશન સેન્ટરોની બહાર કતારો લગાવી  રહયાં છે. કોરોનાના અજગરી ભરડાના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયાં છે. પરિવારના ગણ્યાગાંઠયા લોકો અને સ્વયંસેવકોના હસ્તે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. સમગ્ર દેશ હાલ કોરોના સામે જીવન અને મરણનો જંગ ખેલી રહયો હોય તેવો માહોલ છે...

અમદાવાદ શહેર કે જયાં હવે એમ્બયુલન્સના સાયરનો જ સંભળાઇ રહયાં છે અને સ્મશાનગૃહોની સાથે હોસ્પિટલોના બેડો પર ખાલી નથી. કોરોનાને કાબુમાં લેવા એક વર્ષથી વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે પણ કોરોના પોતાનો ગાળિયો મજબુત બનાવી રહયો છે.

કોરોનાને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે. આવા દર્દનાક માહોલ વચ્ચે અમદાવાદના એલિસબ્રિજ  સ્મશાનગૃહના અતિ હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જ્યાં એકસાથે 4 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર છે. સ્મશાનમાં હાલમાં અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને સ્વજનો પણ ત્યાં હાજર છે અહીં અંતિમવિધિ માટે આવેલ સમશાનમાં આવેલ સ્વજનો કહી રહયા છે કે સવારે 5 વાગ્યાના અહીં આવ્યા છીએ પણ હજી અમારો વારો આવ્યો નથી. આવા તો અનેક લોકો છે જે મૃતકોને મોક્ષ અપાવવા મથામણ કરી રહયાં છે. અમદાવાદના થલતેજ સ્મશાનમાં પણ કોરોનાની અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધિ કરવાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે.

અમદાવાદ બાદ વાત કરીએ ભરૂચની.. રાજયમાં એક માત્ર ભરૂચમાં સ્પેશિયલ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. એક સમયે જયાં મૃતદેહોની સંખ્યામાં ઘટાડો થઇ ગયો હતો ત્યાં હવે ચિત્તાઓ ખુટી પડે તેવો માહોલ છે. રોજના સરેરાશ 10થી વધારે મૃતદેહો આવી રહયાં છે....
જે જન્મે છે તેનું મૃત્યુ ચોકકસ છે તે સનાતન સત્ય છે. કોઇ પણ વ્યકતિની ઇચ્છા હોય છે કે તેના મૃત્યુ બાદ તેના શાસ્ત્રોકત વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે.પણ હાલ કોરોનાએ સ્થિતિ બદલી નાંખી છે. થ્રી લેયરની બેગમાં પેક થઇને આવતાં મૃતદેહો સીધા ચિત્તા પણ મુકી દેવામાં આવે છે અને સ્વયંસેવકોની મદદથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. ભરૂચમાં સ્વયંસેવકો મૃતકોના પરિવારના સભ્યોને ચિત્તા સુધી જવા દઇને અંતિમ વિધિ કરવા દેતાં હોય છે. પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલું સ્મશાન કોવીડથી મૃત્યુ પામેલા હતભાગીઓના સ્વજનોના આક્રંદને સમાવી રહયું છે. દરરોજ સ્મશાનની આસપાસ વલોપાત કરતાં લોકો અને મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવા માટે તૈયારીઓ કરતાં સ્વયંસેવકો જ જોવા મળી રહયાં છે. સરકાર ભલે સબ સલામતનો દાવો કરતી હોય પણ વાસ્તવિકતા એકદમ અલગ છે. ભરૂચના સ્મશાન ખાતે અંતિમક્રિયા માટે સ્વજનોને રાહ ન જોવી પડે તે માટે નવી 11 ચિત્તાઓ ફાળવવામાં આવી છે પણ આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભરૂચ સહિત સમગ્ર રાજયમાં કોરોનાની મહામારી પર કાબુ મેળવી લેવામાં આવે.. ભરૂચના સ્મશાન ગૃહ ખાતે ગુરૂવારના રોજ 19 અને શુક્રવારના રોજ 15 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં છે.

માત્ર ભરૂચ અને અમદાવાદ બાદ જુનાગઢમાં આવી જ સ્થિતિ છે. જુનાગઢના સોનાપુરી ખાતે આજે એકી સાથે એક કલાકમાં ૧૩ જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવી પહોંચ્યાં હતાં.

જૂનાગઢ ગિરનાર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત સોનાપુરી ખાતે આજ સવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર લાગી ગઇ હતી. સોનાપુરી ખાતે આવેલી પાંચ લાકડાની ભઠ્ઠી અને ચાર ઈલેક્ટ્રીક ભઠ્ઠી એકી સાથે શરૂ કરવામાં આવી હતી તેમ છતાં સ્વજનોને મૃતકોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી હતી. ડાઘુઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અહીં પ્રાથમિક સુવિધાનો પણ અહીં અભાવ જોવા મળ્યો હતો. જુનાગઢના સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે પણ એક દિવસમાં 13 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં હતાં.

વડોદરામાં પણ કોરોનાના દર્દીઓ વધી રહયાં હોવાથી શબવાહિનીઓ મૃતકોને સ્મશાનગૃહો સુધી લઇ જવામાં વ્યસ્ત છે ત્યારે અન્ય કારણોથી મૃત્યુ પામતા લોકોના મૃતદેહોનો મલાજો પણ જળવાતો નથી..

વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામી રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાત પડતાંની સાથે સ્મશાનગૃહોની બહાર શબવાહિનીઓની કતાર લાગે છે અને એક પછી એક મૃતદેહ પંચમહાભુતમાં વિલિન થઇ રહયાં છે. કોરોનાના કહેર વચ્ચે હૈયાને કંપાવી દેનારૂ દ્રશ્ય પણ વડોદરામાં જોવા મળ્યું હતું. એક વ્યકતિનું મૃત્યુ થતાં તેના મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઇ જવા માટે શબવાહિની નહિ મળતાં પરિવારજનો હાથલારીમાં મૃતદેહને લઇને સ્મશાન પહોંચ્યાં હતાં.

રાજયમાં કોરોનાની વાસ્તવિક સ્થિતિ કેવી છે તેની માહિતી અમે તમને આપી છે. હોસ્પિટલો અને સ્મશાનો હાઉસફુલ છે. સારવાર માટે ઉપયોગી ઇન્જેકશનોની અછત વર્તાઇ રહી છે. આવા સંજોગોમાં હવે આપણે જ આપણી કાળજી રાખવી પડશે. આપણા સ્વજનોને પણ આપણા અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રાહ ન જોવી પડે તે માટે આપણે પોતાની કાળજી રાખીએ. સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી આપણો તથા આપણા પરિવારનો જીવ બચાવી કોરોનાની આ કપરી મહામારીમાં સલામત રહીએ. દેશ તથા દુનિયાની અન્ય ખબરો માટે આપ જોડાયેલાં રહો કનેકટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો..

Latest Stories