ભરૂચના હાંસોટ પંથકના એક ગામમાં વર્ષ 2024માં સર્જાયેલા ચકચારી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના હાંસોટ પંથકમાં વર્ષ 2024માં સગીરા પર દુષ્કર્મના કેસમાં અંકલેશ્વરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપી જતીન પટેલને સખત કેદની સજા અને ₹25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2024માં આરોપી જતીન પટેલ સગીરાને બાઈક પર બેસાડીને આસતા- રોહિદ ગામ તરફ જતા માર્ગ પર લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે હાંસોટ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.ત્યારબાદ આ કેસ અંકલેશ્વરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે ધારદાર દલીલો રજૂ કરી હતી. સાથે જ 32 દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા જેને ધ્યાને રાખી એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એસ.પી.રાહતકની સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીને ₹25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે, તો તેને વધુ પાંચ માસની કેદની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
