દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામની શાળામાં શિક્ષકે પોતાની ગાડીને હરતા ફરતા કેળવણી રથની ઉપમા આપી બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.
હાલમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન બાદથી શાળા કોલેજો પર બ્રેક વાગી ગઈ છે. જેને લઈને બાળકોનું ભણતર પણ પ્રભાવિત થયું છે. જો કે શાળાઓ ખૂલે એ પહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે બાળકો પાસે ટીવી અથવા સ્માર્ટ ફોન હોવા જરૂરી છે. જોકે, ગામડામાં રહેતા અને મજૂરી કામ કરતાં ગરીબ પરિવારો માટે બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવો મુશ્કેલ બન્યો છે. ઘણી જગ્યાએ નેટવર્કની સમસ્યાના કારણે પણ બાળકોના અભ્યાસ પર અસર પડી છે. ત્યારે આવા સંજોગોમાં દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાનાં રૂવાબારી મુવાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા ચૌહાણ સંજયકુમાર ગુલાબસિંહ કેળવણી રથ શરૂ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. શિક્ષકે પોતાની માલિકીની ગાડી ઉપર પ્રોજેક્ટ લગાડી, લેપટોપ અને કોમ્પ્યુટર સાથે ડિજિટલ શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. દરરોજ એક ફળીયામાં જઈને બાળકોને ભણાવવાની કામગીરી કરે છે. આ દરમિયાન બાળકોને માસ્ક તથા સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવવામાં આવે છે.
અત્યારસુધીમાં કુલ 70 થી 80 જેટલાં બાળકો આ ગાડીની શિક્ષણ સુવિધાનો છેલ્લા પંદર દિવસથી લાભ ઘરે બેઠા લઈ રહ્યા છે. શાળાના આ શિક્ષકે પોતાની ગાડીનું હરતા ફરતા કેળવણી રથનું નામ આપ્યું છે. બાળકોને અભ્યાસ માટેનો આ નવતર પ્રયોગ રૂવાબારી મુવાડા ગામની શાળામાં શિક્ષક દ્વારા કરાતા વાલીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે