રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી નરેશ પટેલે કોઈપણ અમલીકરણ અધિકારીઓની આડોડાઈ કે, નિરસતાને કારણે વિકાસ કામો પ્રારંભે પડે તે સાંખી નહીં લેવાઈ તેમ સ્પષ્ટપણે જણાવ્યુ હતું.
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કાર્યભાર સાંભળ્યા બાદ પોતાની પ્રથમ સમીક્ષા બેઠકને સંબોધતા મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની આકસ્મિક ચકાસણી હાથ ધરવા સાથે, ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સંદેશા વ્યવહારની સુવિધાને સુધારી તેને સંલગ્ન સેવાઓની ઝડપ અને ગુણવત્તા સુધારવાની દિશામાં લક્ષ કેન્દ્રિત કરવાનુ આહ્વાન કર્યું હતું. વિકાસકામોની સ્થળે પસંદગી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની પસંદગીમા શરૂઆતથી જ ચોકસાઇ દાખવવાની સુચના આપતા મંત્રીશ્રીએ, પ્રગતિ હેઠળના વિકાસ કામોનું ચોક્કસ સ્ટેટસ દર્શાવી, સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ વિકાસ કામો, અને વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓનો સુપેરે અમલ થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત, ડાંગના નવનિયુક્ત પ્રભારી મંત્રી નરેશ પટેલે કરી હતી, ત્યારે દશેરાના પાવન પર્વે દંડકરણ્ય-ડાંગની પ્રથમ મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશ પટેલે, જિલ્લાના જુદાજુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓને પ્રજા કલ્યાણની યોજનાઓના અમલીકરણનું સ્થાનિક પ્રજાજનો માટે ખુબ જ મહત્વ છે, તેમ જણાવ્યુ હતું. રાજ્ય સરકારના તમામ વિકાસ કામો સમય મર્યાદામા પૂર્ણ થાય, અને કામની ગુણવત્તામાં કોઇ કચાશ નહી રહે તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
