ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Pvt Ltd કંપનીમાં 23 એપ્રિલે લાગેલી ભીષણ આગની ઘટનામાં મૃતકઆંક વધીને હવે 3 થયો છે. આગમાં ગંભીર રીતે દાઝેલા એક વધુ કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી બે કામદારોનું 26 એપ્રિલે જ મોત થયું હતું. હવે ત્રીજા કામદારના નિધન સાથે મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા કામદારોમાંથી ત્રણને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે હાલ પણ 10 કામદારો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આગ લાગવાના કારણોની તપાસ હજુ ચાલુ છે અને પ્રાથમિક તારણો મુજબ ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.તે ઉપરાંત, આ જ કંપની સાથે સંકળાયેલા અન્ય એક મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ગેરકાયદેસર રીતે કંપનીમાં પ્રવેશવા તેમજ એક વ્યક્તિને માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.