સુરત શહેર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા વિશેષ ઉપસ્થિત
નવરાત્રી દરમ્યાન ગરબા આયોજકોને ખાસ સૂચન કરાયું
દિવાળીમાં વતન જતાં લોકો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે
ગાંધીનગર મનપા ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપ્યું
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિ આયોજકોને ફાયર સેફ્ટી પાળવા અને દિવાળીમાં શ્રમિકો માટે 1600 વધારાની ST બસો દોડાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેઓએ ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદ દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોને ખાસ અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મોટા ગરબા આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોની બાબતમાં જરાય ઢીલાશ કે, બેદરકારી દાખવવી જોઈએ નહીં. ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાથી તમામ આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું અનિવાર્ય છે.
સુરતમાં રોજગારી અર્થે વસેલા શ્રમિકો પોતાના વતન જઈને પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર અને GSRTC દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વખતે સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોડાદરા અને નિઝર સહિતના વિવિધ રૂટો પર કુલ 1600 વધારાની બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પંચમહાલ તરફ જતાં મુસાફરોની સંખ્યા વધુ હોય છે, જેથી આ રૂટો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. GSRTC દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હજારો શ્રમિક પરિવાર સરળતાથી પોતાના વતન પહોંચી શકશે.
તો બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાબતે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતું કે, ગાંધીનગરના લોકો અને ભારતીય જનતા પાર્ટી બન્ને એક જ છે. આ સાથે જ તેઓએ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વર્ષોનો રેકોર્ડ તોડવા અંગે પણ મતદારોને ખાસ અપીલ કરી હતી. ગાંધીનગરનો વિકાસ બુલેટ ગતીએ થાય તેવી પણ અપેક્ષા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
