સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મત્સ્યઉદ્યોગ વિભાગ, ઓખા દ્વારા માછીમારોમાં જનજાગૃતિ આવે તે અર્થે લાઉડ સ્પીકર દ્વારા માછીમારોને દરિયામાંથી કિનારા તરફ આવી જવા તેમજ પોતાની બોટ કાંઠા વિસ્તારમાં લાંગરી દેવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા હાલ સંભવિત વાવાઝોડાને લઈ અગમચેતીના ભાગરૂપે તમામ માછીમારોને માછીમારી કરવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો સાથે જ જે માછીમારો હાલ માછીમારી કરવા દરિયામાં છે તેઓને પણ પરત બોલાવી લેવા અપીલ કરવામાં આવી રહી છે. જે માછીમારો હાલ દરિયાકાંઠા વિસ્તારમાં તેઓની ફિશિંગ બોટ લઈ પહોંચી ચુક્યા છે તેઓ પણ પરત આવી જતા તેની પણ નોંધણી કરાવવા માત્સોદ્યોગ વિભાગની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે હાલ માછીમારોને અપીલ કરવા છતાં પણ જો માછીમારો તેની ફિશિંગ બોટ પરત ન લાવે અથવા તો નોંધ ન કરાવે તો તેઓની સામે મત્સ્યઉદ્યોગ વિભાગ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવહી કરવામાં આવશે.
જેથી લોકો ખુદ નિયમોનું પાલન કરે તે માટે મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતત અપીલ કરાઈ રહી છે. જોકે, ઓખા મત્સ્યઉદ્યોગ વિભાગ સંભવિત વાવાઝોડાને લઈ એલર્ટ પર છે અને સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે કે, જેથી માછીમારોને જાનમાલનું નુકશાન ઓછું થાય અને તેઓ વવાઝોડાને લઈ જાગૃત થાય તે ખૂબ જરૂરી બન્યું છે.