મહીસાગર જિલ્લાના ધૈર્યરાજસિંહ રાઠોડ નામનું બાળક છેલ્લા ઘણા સમયથી SMA નામની ગંભીર બિમારીથી પીડાય રહ્યું હતું, ત્યારે આ બાળકને ખાસ અમેરિકાથી મંગાવવામાં આવેલ રૂપિયા 16 કરોડનું ઇન્જેક્શન આપવા સહિતની સારવાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં કરવામાં આવશે.
જોકે, SMA નામની ગંભીર બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર શરૂ કરવામાં આવી છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશથી રૂપિયા 16 કરોડનું ખાસ ઇન્જેક્શન પણ મંગાવવામાં આવ્યું છે, ત્યારે હવે ધૈર્યરાજસિંહ રાઠોડને આ ઇન્જેક્શન આપ્યા બાદ નવજીવન મળશે.
અત્રે નોંધનીય છે કે, ધૈર્યરાજસિંહ રાઠોડના માતાપિતા સામાન્ય પરિવારના છે અને દીકરા માટે રૂપિયા 16 કરોડની વ્યવસ્થા કરવા માટે તેઓ નિઃસહાય હતા. જોકે, ગુજરાતીઓએ અસંભવને પણ સંભવ કરી બતાવ્યું છે. સમગ્ર ગુજરાતમાં મોટા પાયા પર ધૈર્યરાજસિંહ રાઠોડ માટે ફાળો ભેગો કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતી મીડિયાએ પણ ટીવીના માધ્યમથી લોકોને ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે આહ્વાન કર્યું હતું, ત્યારે જોતજોતામાં દાનના ધોધથી બાળક માટે રૂપિયા 16 કરોડની રકમ સહાય રૂપે મળી જવા પામી હતી. જેથી હવે અમેરિકાથી ધૈર્યરાજસિંહ રાઠોડ માટે ઇન્જેક્શન આવી ગયું હોવાથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે.