/connect-gujarat/media/media_files/BakdunGrTghVvB1wxkMg.jpg)
શક્તિસ્વરૂપા માઁ જગદંબાની ભક્તિનો અવસર એટલે નવરાત્રી.આ પ્રસંગે માઈ ભક્તો દ્વારા માતાજીની શ્રદ્ધાભેર ભક્તિ કરવામાં આવે છે,ત્યારે પૌરાણિક પરંપરાઓ અનુસાર પણ નવરાત્રી દરમિયાન માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે,ત્યારે ગાંધીનગર પાસેના રૂપાલ ગામના પલ્લી મેળાનો પણ અનોખો મહિમા છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા રૂપાલ ગામમાં શુક્રવારની રાત્રે વરદાયિની માતનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારત કાળથી ગામમાં કાઢવામાં આવતી આ પલ્લી મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોનો સાગર છલકાયો હતો.
અને ભક્તો દ્વારા પલ્લી પર અંદાજીત સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર18 થી20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે. પાંચ જ્યોતવાળી પલ્લી પર ઘીના અભિષેકથી સમગ્ર ગામમાં જાણે શુદ્ધ ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્ય ઉભુ થયું હતુ.
ઐતિહાસિક મહાભારતના સમયથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિવર્ષ નવરાત્રી પર્વના નવમા નોરતે યોજાય છે. ત્યારે નોમને શુક્રવારના રોજ મધરાત બાદ પલ્લી બનાવવા સહિતની ધાર્મિક પૂજા વિધી હાથ ધરવામાં આવી હતી.
માતાજીની મંજૂરી બાદ પરોઢિયે ચાર વાગ્યે પાંચ જ્યોતવાળી પલ્લી ગામમાં નીકળી હતી. પહેલા ચકલાએ જ્યારે પલ્લી પહોંચી ત્યારે તો પલ્લી ઉપર શુદ્ધ ઘીનો વરસાદ થતો હોય તે રીતે ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર27 ચકલા ફરીને પલ્લી સવારે સાત વાગ્યે વરદાયિની માતા મંદિર પરિસરમાં પહોંચી હતી. જ્યાં પણ શ્રદ્ધાળુઓએ બાધા-શ્રદ્ધાથી શુદ્ધ ઘી ચઢાવ્યું હતું.