ભરૂચ: કિન્નર સમાજ દ્વારા બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ

બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટીને  માતાજીના ગરબે ઘૂમી રસ પુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી

New Update

  • ભરૂચમાં બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી 

  • કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી ઉજવણી 

  • આનંદના ગરબાનું કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ગરબે ઘૂમ્યા 

  • ભક્તોએ રસ પુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી   

ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માગશર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટીને  માતાજીના ગરબે ઘૂમી રસ પુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી.

 માગશર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.એવું માન્યતા  છે કે,માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા.વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી.જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા.

જોકે જ્ઞાતિબંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી.જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી.અને ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી.જેથી માગશર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગશર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું.

જેમાં આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીના ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે નર્મદા પરિક્રમાવાસીઓને પ્રસાદી જમાડી સાલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories