અંબાજી ભાદરવી પુનમનો મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાય હતી. જેમાં ગર્ભગ્રહ સહિત માતાજીના આભુષણો અને પુજા વિધિને લગતા તમામ સાધનોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ અંબાજી મંદિરમાં પ્રવેશે છે. ત્યારે ક્યાંકને ક્યાંક મંદિરની અપવિત્રતાની વાત સામે આવતી હોય છે. જેને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા બાદ પ્રક્ષાલન વિધિ યોજાય છે.
આ પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર, ગર્ભગ્રહ ,ચાચર ચોક, માતાજીના શણગારના આભૂષણો સહિત પૂજા વિધિમાં લાગતા તમામ સાધનોની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે. પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિરનો સ્ટાફ અંબાજી મંદિરના પૂજારીઓ સહિત વર્ષોથી પરંપરાગત આવતા સોની પરિવાર અને ગ્રામજનો આ પ્રક્ષાલન વિધિમાં જોડાતા હોય છે. આ પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિરના ભટજી મહારાજ અંબાજી મંદિરના વહીવટદાર, બનાસકાંઠા જિલ્લા કલેકટર, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા.