New Update
હાંસોટના ખરચ ગામ નજીક આવેલું છે આશ્રમ
દત્તાશ્રય આશ્રમમાં કરવામાં આવી ઉજવણી
દત્તજયંતિની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી
મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે દત્ત જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આશ્રમના સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી. આ અરજીને ત્યારબાદ ભક્તોએ હવનકુંડમાં શ્રીફળની સાથે હોમી દીધી હતી. ભક્તોનું માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી ભગવાન દત્તના ચરણોમાં પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી દત્તાશ્રય આશ્રમમાં આ અરજી પ્રથા ચાલી રહી છે. જ્યારે મનની વાત કોઈને કહી શકાતી નથી, ત્યારે સ્વયં દત્ત ભગવાન સુધી આપણો અવાજ પહોંચે છે. આનાથી સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
દત્ત જયંતી નિમિત્તે સવારથી જ આશ્રમ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવી હતી. આ ઉપરાંત, ભક્તો માટે સામુહિક આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આચાર્ય મનન પંડ્યાએ ભક્તોને દત્તાશ્રય આશ્રમની મુલાકાત લેવા અને દરેકનું કલ્યાણ થાય તે હેતુથી આ પ્રકારના ધાર્મિક ઉત્સવોમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
Latest Stories