શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી
દ્વારકા જગત મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાય
વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણીનું આયોજન
‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
મંદિર પર રોશનીની સજાવટથી ભક્તોમાં ભારે આકર્ષણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જનષ્ટમી પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે, જન્માષ્ટમી. જન્માષ્ટમીએ રાત્રે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ જગત મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ ભક્તોએ પારણે ઝૂલતાં બાળ કનૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં વ્હાલાના વધામણાં કરવામાં આવ્યા, અને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાનું સુપ્રસિદ્ધ જગતમંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર પર કરવામાં આવેલી સુંદર રોશનીની સજાવટ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.