/connect-gujarat/media/post_banners/6f5328eb9cacf15b21dff095ba0fa3e033d75dcb4ee0039dfae4f7927f50f492.jpg)
આજે અમે ગુજરાતના બીજા નંબરે આવેલ સૌથી મોટા વડની વાત કરવા જઈ રહ્યા છીએ… ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે ૫૦૦ વર્ષ જૂનો અઢી વિધામાં ફેલાયેલ અને ૪૦ મીટર ઉચાઇ ધરાવતો વડ આવેલ છે. જે વડ મહાકાલી વડના નામથી પણ ઓળખાય છે, ત્યારે અહીં પૂનમ સહિત નવરાત્રી તેમજ વાર-તહેવારે હજારોની સંખ્યામા લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે.
અહી વડની વડવાઈઓ નીચે મહાકાલી માતાની સ્વયંભુ મૂર્તિ પ્રગટ થઈ છે. આ વડ દર વર્ષે ૩ ફુટથી વધારે ફેલાય છે, અને આ વડ આજુબાજુના ખેડૂતોની જમીનમાં ફેલાયો છે. પણ ખેડૂતો ધાર્મિક આસ્થા તેમજ વડ માટે લાખોની કિંમતની જમીન જતી કરી છે. અહી એવી પણ માન્યતા છે કે, કોઈપણ વ્યક્તિ વડને કોઇપણ રીતે નુકસાન કરે કે, વડનું ડાળુ કાપે તો તે વ્યક્તિને અચુક નુકસાન પહોંચે છે. જેના લીધે કોઈપણ વ્યક્તિ વડને કાપવાની હિંમત નથી કરતું તેવી પણ માન્યતા રહેલી છે.
ચૈત્ર સુદ તેરસના રોજ અહી મંદિરના પાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે, અને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે, તથા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. અહી અમદાવાદ, સુરત, ગાંધીનગર, મુંબઈ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા સહિતના સ્થળોથી શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
વડની નીચે જ ૧૦૦થી પણ વધારે નાની-મોટી દુકાનો અને પાથરણાવાળા બેસીને બાળકોના રમકડા, પુજાનો સામાન, ખાણી-પીણી જેવા નાના-નાના વ્યવસાય થકી ધંધો રોજગાર મેળવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે માઁ મહાકાળીના ધામમાં શીશ ઝુકાવવા 2થી 3 વાર આવ્યા છે, તો હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અહી દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૧૪.૯૬ કરોડ મંદિરના વિકાસ અર્થે ફાળવવામાં આવ્યા છે, ત્યારે આ ૫૦૦ વર્ષ જૂનું સ્થળ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે.