પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર
નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળાનું ભવ્ય આયોજન
રાજપીપળા તંત્ર દ્વારા લોકમેળાની તૈયારીઓને અંતિમ ઓપ
આગામી તા. 15મી ઓક્ટોબરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં 450 વર્ષથી પણ વધુ પૌરાણિક માઁ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી નિમિત્તે વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે. જેમાં લાખો ભક્તો આવે છે. જોકે, છેલ્લા 2 વર્ષ કોરોનામાં મેળો બંધ રહ્યો હતો.
ગત વર્ષે નાના પાયે મેળાનું આયોજન થયું હતું. પરંતુ આ વર્ષે મોટા પાયે મેળાનું આયોજન થાય તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. મેળા દરમ્યાન પાર્કિગથી લઈને ડાયવર્ઝન આપવા સુધી અને સઘન સુરક્ષા સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જોકે, કોઈપણ લોક મેળામાં ચકડોળ સૌથી મોટું આકર્ષણ હોય છે. જેને મોટું મેદાન આપવા તંત્ર દ્વારા રાજપીપળા જીન ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યું છે. જયમાલા એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવતા સંતોષભાઈ અવનવા ચકડોળ લાવ્યા છે. જેમાં ટોરા ટોરા, સેલંબો, કિડ્સ ટ્રેન, નાવડી, ડ્રેગન, ઓકટોપસ, કટર પિલર, બ્રેકડાન્સ, ટોય ટ્રેન, સલંબોર, ચકડોળ સહિતના અવનવા ચકડોળ આ વર્ષે લોકોનું સૌથી મોટું આકર્ષણ બનશે. આ વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટવાની અપેક્ષાએ ઠેર ઠેર CCTV કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. લોકમેળામાં આવનારા ભક્તો માટે પીવાના પાણી, આરોગ્ય સહિત સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.